14 Nov 2016
૧૪ નવેમ્બર ૨૦૧૬ - જૂનાગઢ
મુખ્ય આયોજન - ડૉ. રોહન પૂજારા (બી.એ.એમ.એસ., પ્રાઇવેટ પ્રેક્ટિશનર, જૂનાગઢ)
જૂનાગઢ શહેરમાં આ વર્ષે પ્રથમવાર સ્પંદન ટ્રસ્ટ દ્વારા કપડા વિતરણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જૂનાગઢમાં આ કાર્યક્રમનું મુખ્ય આયોજન સ્પંદન ટ્રસ્ટ સદસ્ય તેમજ નિષ્ઠાવાન તબીબ ડૉ. રોહન પૂજારા દ્વારા કરવામાં આવ્યું હતું. વિવિધ શહેરોમાં કપડા વિતરણ કાર્યક્રમના માર્ગદર્શક ડૉ. વૈશાલી મકવાણા દ્વારા ડૉ. રોહન પૂજારાનો સંપર્ક સાધવામાં આવ્યો હતો તથા આ કાર્યક્રમ વિશે તેઓને માહિતગાર કરાયા હતા. ડૉ. રોહન પૂજારાએ તેમની તબીબી પ્રેક્ટિસની વ્યસ્તતા વચ્ચે પણ સ્પંદન ટ્રસ્ટના આ કાર્યક્રમ માટેની જવાબદારી પોતાના સિરે લીધી હતી.
જૂનાગઢ સ્પંદન ટીમ દ્વારા આ કાર્યક્રમ માટે તા. ૧૪ નવેમ્બર, ૨૦૧૬ નો દિવસ નિર્ધારિત કરવામાં આવ્યો હતો. જૂનાગઢમાં સ્પંદન ટ્રસ્ટના ડૉક્ટરો તેમજ તબીબ વિદ્યાર્થીઓએ અંદાજીત ૩૨૫ જોડી કપડાઓ એકઠા કર્યા હતા. આ કપડા જૂનાગઢ શહેરના મજેવડી ગેટ તથા ઝાંઝરડા ચોકડી પાસે આવેલ ઝૂંપડપટ્ટીના ગરીબ જરૂરિયાતમંદ પરીવારોને ભેટમાં આપવામાં આવ્યા હતા. જરૂરિયાતમંદ પરિવારો માટે આ ભેટ અમૂલ્ય બની રહી.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે તબીબ વિદ્યાર્થીઓ સન્ની કરમટા, કિર્તન પંડ્યા, સલોની શુક્લ, રોહન શાહ, ગૌરવ પરમાર, તૃપલ ભીમાણી, અનેરી વોરા, કિશન ચંદ્રાલા, પાર્થ સદારિયા, રાજન વેકરિયા તથા ભવ્ય શેઠ દ્વારા અનેક લોકો પાસેથી કપડા એકઠા કરવામાં આવ્યા હતા. તથા આ સૌ સદસ્યો દ્વારા કપડા વિતરણનો કાર્યક્રમ સફળ રીતે પૂર્ણ કરવામાં આવ્યો હતો. સ્પંદન ટ્રસ્ટ દ્વારા ગરીબોને મદદરૂપ થવાની આ સેવાકીય પ્રવૃત્તિ ડોક્ટરો દ્વારા થતી એક વિશિષ્ટ સમાજસેવા ગણી શકાય. ડૉ. રોહન પૂજારા તથા અન્ય તમામ સભ્યોના સંનિષ્ઠ પ્રયાસોએ આ કાર્યક્રમને સફળતા અપાવી હતી. શહેરના 'સંદેશ' દૈનિક દ્વારા સ્પંદન ટ્રસ્ટના આ કાર્યક્રમની સરાહના કરવામાં આવી હતી.
SUCCESS :